કાલે ફક્ત આ કારનામો કરી વિરાટ કોહલી રચી શકે છે આ કીર્તિમાન! જાણી લ્યો કેટલા રન કરવા પડશે?
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પાસે 1 માર્ચથી શરૂ થઈ રહેલી આ મેચમાં એક ખાસ રેકોર્ડ બનાવવાની તક છે. જો વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 73 રન બનાવશે તો તે ઘરઆંગણે 4,000 રન બનાવનાર ભારતનો 5મો ખેલાડી બની જશે.
વિરાટ કોહલી પહેલા સચિન તેંડુલકરે ભારતીય ધરતી પર ટીમ ઈન્ડિયા માટે 4000 રન પૂરા કર્યા છે. તેણે 7216 રન બનાવ્યા છે. આ યાદીમાં બીજા નંબર પર ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું નામ છે, જેમણે ભારતમાં રમતા ટેસ્ટ ફોર્મેટમાં 5598 રન બનાવ્યા છે.
ભારતીય ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં 5067 રન બનાવનાર પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરનું નામ ત્રીજા નંબર પર છે. ચોથા નંબર પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગનું નામ છે, જેણે 4656 રન બનાવ્યા છે. આ યાદીમાં વિરાટ કોહલી 3923 રન સાથે પાંચમા નંબર પર છે. તેને 4000 રન પૂરા કરવા માટે 73 રન બનાવવા પડશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 4-ટેસ્ટ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બે મેચ રમાઈ છે, જેમાં ભારતે શ્રેણી જીતીને 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરમાં જ્યારે ચોથી મેચ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે.