ટિમ ઇન્ડિયાને મળી મોટી ખુશખબર! હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી શકશે?જાણો શું છે સમીકરણ
ઓસ્ટ્રેલિયન ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે આખી દુનિયા હજુ બીજી ટીમની રાહ જોઈ રહી છે. આગામી થોડા દિવસોમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ના બીજા ફાઇનલિસ્ટનું નામ પણ સાફ થઇ જશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી ગઈ છે.
ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી રહી છે. તે જ સમયે ક્રાઈસ્ટચર્ચમાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ પણ રમાઈ રહી છે. ભારતીય ચાહકોની પણ આ મેચ પર નજર છે. જો શ્રીલંકાની ટીમ આ મેચ જીતવામાં નિષ્ફળ જશે તો ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. આ સમયે શ્રીલંકાની ટીમ મેચમાં પાછળ રહેતી દેખાઈ રહી છે, જેણે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના દરવાજા ખોલી દીધા છે.
આ મેચની પ્રથમ ઇનિંગમાં શ્રીલંકાની ટીમે 355 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 151 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. કિવી ટીમની સાથે ભારતીય ચાહકોના દિલના ધબકારા પણ વધી ગયા હતા, પરંતુ ન્યૂઝીલેન્ડે આ મેચમાં શાનદાર વાપસી કરી હતી અને પ્રથમ દાવમાં 373 રન બનાવ્યા હતા. આ મેચ હવે શ્રીલંકાની પકડમાંથી બહાર થઈ ગઈ છે. જો શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ પણ ડ્રોમાં સમાપ્ત થાય છે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી જશે.
ભારત ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે સીધા ક્વોલિફાય થવા માટે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પડશે. જો ટીમ ઈન્ડિયા અમદાવાદ ટેસ્ટ હારી જશે તો તેની રાહ વધુ લાંબી થશે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને તેની ધરતી પર ઓછામાં ઓછી એક મેચ હરાવવી પડશે અથવા ડ્રો રમવી પડશે, તો જ ભારત ફાઇનલમાં પહોંચશે.