જો ટેસ્ટ સિરીઝ 2-2 ની બરાબરી પર રહેશે તો શું ભારત WTC ની ફાઇનલમાં જશે? હા કે ના? જાણી લ્યો સમીકરણ
ઈન્દોરમાં રમાઈ રહેલી ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. હવે આ મેચમાં કોઈ ચમત્કાર જ ભારત જીતી શકે છે. સ્ટીવ સ્મિથની કપ્તાનીમાં કાંગારૂ ટીમે અત્યાર સુધી ઈન્દોર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ મેચ જીતવા માટે માત્ર 76 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જો મુલાકાતી ટીમ ત્રીજી ટેસ્ટ જીતશે તો ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે રાહ જોવી પડશે. બીજી તરફ જો કાંગારુ ટીમ ચોથી ટેસ્ટમાં પણ ભારતને હરાવશે તો ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો રસ્તો વધુ મુશ્કેલ બની જશે. ત્યારે ભારતે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. તમને જણાવી દઈએ કે જો ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ 2-2 થી બરાબર રહે છે તો ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે કેવી રીતે ક્વોલિફાઈ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ભારત 2-0થી આગળ છે. પરંતુ ઈન્દોર ટેસ્ટમાં જે રીતે ટીમ ઈન્ડિયા બેકફૂટ પર છે, તેનાથી જીતની આશા રાખી શકાય નહીં. આવી સ્થિતિમાં ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે છેલ્લી ટેસ્ટ જીતવી પડશે. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઓસ્ટ્રેલિયાને ચાલુ શ્રેણીમાં 2-0 અથવા 3-1થી હરાવવું પડશે. પરંતુ ઈન્દોર ટેસ્ટ હારતા જ ભારત માટે ચોથી મેચ નિર્ણાયક બની જશે. જો ભારતીય ટીમ અંતિમ મેચ પણ હારી જાય છે તો ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડમાં યોજાનારી ટેસ્ટ શ્રેણીના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.